રાજકોટમાં રેશનકાર્ડના એજન્ટોના ‘અચ્છે દિન’? ઝોનલ-1 કચેરી સામે ગંભીર આક્ષેપો

રાજકોટ: શહેરની પુરવઠા શાખાની ઝોનલ-1 કચેરી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. રેશનકાર્ડની પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અને એજન્ટ રાજના ગંભીર આક્ષેપો સામે આવતા સમગ્ર વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે.

ફરિયાદકર્તાના દાવા મુજબ, કચેરીની બહાર કાર્યરત કેટલાક એજન્ટો દ્વારા અલગ-અલગ કેટેગરીના રેશનકાર્ડ બનાવી આપવાના નામે ₹7 હજારથી ₹35 હજાર સુધીની રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પૂરતા દસ્તાવેજો વગર પણ એક જ દિવસમાં રેશનકાર્ડ બનાવી આપવાની ખાતરી આપવામાં આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

જો આ આક્ષેપોમાં સત્યતા હશે તો પ્રશ્ન એ ઊભો થાય છે કે સરકારી પ્રક્રિયા બહાર આવી કામગીરી કેવી રીતે શક્ય બને છે? શું સમગ્ર મામલે કોઈ આંતરિક સાંઠગાંઠ છે કે પછી કચેરીની બહાર એજન્ટો ખુલ્લેઆમ ‘રેટ કાર્ડ’ના આધારે કામ કરી રહ્યા છે?

જોકે, આ તમામ આક્ષેપોની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને હકીકત સામે આવે તેવી માંગ ઉઠી રહી છે. હવે પુરવઠા વિભાગ અને સંબંધિત તંત્ર આ ગંભીર આક્ષેપો પર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

Leave a Comment

Traffic Tail