અમદાવાદ: અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં માત્ર સાત કલાકમાં 6 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા, માર્ગો પાણીમાં ગરકાવ થયા અને ઠેરઠેર ટ્રાફિક જામ સર્જાયો. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ પેલેડિયમ મોલ નજીક ટ્રાફિકમાં અટવાયો હતો.
બોપલ, સરખેજ, જોધપુર, બોડકદેવ, સાયન્સ સિટી, મકતમપુરા અને પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી સોસાયટીઓ અને અંડરબ્રિજોમાં પાણી ભરાઈ ગયા હતા. સિંધુ ભવન રોડ અને એસ.જી. હાઇવે પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો.
ભેદવાડ ખાડી અને કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સરખેજ, ગુરુકુળ રોડ અને દાણીલીમડામાં પાણીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. થલતેજ મેટ્રો સ્ટેશન નજીકથી એક વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.








