હિમાચલમાં મેઘતાંડવ: ભારે વરસાદ-ભૂસ્ખલનથી 66નાં મોત, 100થી વધુ રસ્તા બંધ; 10 જિલ્લામાં એલર્ટ

શિમલા: હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે વ્યાપક તારાજી સર્જાઈ છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં 66 લોકોનાં મોત નોંધાયા છે, જ્યારે રાજ્યભરમાં 100થી વધુ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે.

હવામાન વિભાગે 28 જુલાઈ સુધી શિમલા, કાંગડા, મંડી, કુલ્લુ, ચંબા, સિરમૌર, બિલાસપુર, હમીરપુર, સોલન અને ઊના સહિત 10 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

કાંગડાના બોહ ઘાટીમાં વાદળ ફાટતાં ભારે નુકસાન થયું છે. મકાઈનો પાક નષ્ટ થયો છે, માર્ગો અને પુલ તૂટી ગયા છે, જ્યારે અસરગ્રસ્ત 160 લોકોને સરકારી શાળામાં આશ્રય અપાયો છે. કિંનૌર અને લાહૌલ-સ્પિતીમાં પણ પૂરથી અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને રાહત ટીમો બચાવ કામગીરીમાં લાગી છે. પ્રશાસને લોકોને ભૂસ્ખલનપ્રવણ વિસ્તારો, નદી-નાળાંથી દૂર રહેવા અને અત્યંત જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ કરી છે.

Leave a Comment

Traffic Tail