અમદાવાદમાં કોંગ્રેસ-ભાજપ આમને-સામને: ધરણા વચ્ચે ઘર્ષણ, 2 હજાર પોલીસ જવાનોનો બંદોબસ્ત

અમદાવાદ: નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસ અને ભાજપના સામસામા કાર્યક્રમોને પગલે અમદાવાદમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરમાં 2 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા હતા.

કોંગ્રેસે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે રેલી અને ધરણું યોજ્યું હતું. પોલીસ દ્વારા રેલી રોકવાનો પ્રયાસ થતાં કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું. બાદમાં અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિત અનેક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

બીજી તરફ ભાજપે કોંગ્રેસના વિરોધના જવાબમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ધરણાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોંગ્રેસ કાર્યાલયના ગેટ બંધ કરાયા હતા અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો.

ક્રાઇમ બ્રાંચ, એસઆરપી અને સ્થાનિક પોલીસ સહિતના દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હતી.

Leave a Comment

Traffic Tail