વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશથી આયાત થતી જેનરિક દવાઓ પર તબક્કાવાર 200 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ફાર્મા કંપનીઓને અમેરિકામાં ઉત્પાદન એકમો સ્થાપવા પ્રોત્સાહિત કરવાનો હોવાનું જણાવાયું છે.
નવી નીતિ મુજબ 1 ઓગસ્ટથી અમલ શરૂ થશે. પ્રથમ બે વર્ષ સુધી ટેરિફ નહીં વસૂલાય, ત્યારબાદ ત્રીજા વર્ષથી 100 ટકા અને પછીના વર્ષથી 200 ટકા ટેરિફ લાગુ થશે. પેટન્ટેડ અને બ્રાન્ડેડ દવાઓને આ નિર્ણયમાંથી બહાર રાખવામાં આવી છે.
ભારત અમેરિકાને જેનરિક દવાઓનો સૌથી મોટો સપ્લાયર હોવાથી આ જાહેરાતની સીધી અસર ભારતીય ફાર્મા ક્ષેત્ર પર પડી શકે છે. જાહેરાત બાદ ભારતીય ફાર્મા કંપનીઓના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકામાં ઉત્પાદન અને કામગીરી ધરાવતી ભારતીય કંપનીઓ પર લાંબા ગાળે તેની અસર મર્યાદિત રહી શકે છે.








