દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: કપરાડામાં 16 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર

વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં અતિભારે વરસાદથી જનજીવન પ્રભાવિત; રેડ એલર્ટ યથાવત

અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં સતત ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચ (397 મિમી) વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે.

વલસાડ જિલ્લામાં નાનાપોંઢા, પારડી, વલસાડ શહેર અને વાપીમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે નવસારીના ચીખલી, વાંસદા, ખેરગામ અને ગણદેવીમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં પણ ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે.

ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં 150થી વધુ માર્ગો બંધ થયા છે અને અનેક સ્થળોએ વાહનવ્યવહાર ખોરવાયો છે. વાપીમાં રહેણાંક વિસ્તારો અને રેલવે ગરનાળાઓમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉપરવાસમાં વરસાદ વધતા મધુબન ડેમમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. ડેમના દરવાજા ખોલી દમણગંગા નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં નદી બંને કાંઠે વહી રહી છે.

હવામાન વિભાગે આજે પણ વલસાડ અને નવસારી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, ડાંગ, તાપી તેમજ દમણ-દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail