ફ્રાન્સમાં 15 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

મેક્રોન સરકારનો મોટો નિર્ણય; ટેક કંપનીઓ માટે ઉંમર ચકાસણી ફરજિયાત, બાળકોને ડિજિટલ વ્યસનથી બચાવવાનો પ્રયાસ

પેરિસ: ફ્રાન્સે 15 વર્ષથી ઓછી વયના બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો ઐતિહાસિક કાયદો પસાર કર્યો છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના સમર્થનથી અમલમાં આવેલા આ કાયદાનો મુખ્ય હેતુ બાળકોને ડિજિટલ વ્યસન, હાનિકારક કન્ટેન્ટ અને માનસિક સ્વાસ્થ્ય પર પડતી નકારાત્મક અસરોથી બચાવવાનો છે.

આ નિર્ણય સાથે ફ્રાન્સ યુરોપિયન યુનિયનનો પ્રથમ દેશ બન્યો છે, જેણે બાળકો માટે સોશિયલ મીડિયા પર આટલો કડક નિયમ અમલમાં મૂક્યો છે. અગાઉ ઓસ્ટ્રેલિયા અને બ્રિટન પણ આવા પગલાં લઈ ચૂક્યા છે.

નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને દરેક યુઝરની ઉંમરની વિશ્વસનીય ચકાસણી કરવી ફરજિયાત રહેશે. સ્થાનિક અહેવાલો મુજબ ટીનએજર્સ ટિકટોક સહિતના પ્લેટફોર્મ પર લાંબો સમય વિતાવતા હોવાથી ચિંતા, તણાવ અને અન્ય માનસિક સમસ્યાઓમાં વધારો જોવા મળ્યો છે.

આ નિર્ણયને વાલીઓ અને બાળ આરોગ્ય નિષ્ણાતોએ આવકાર્યો છે. જોકે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે માત્ર પ્રતિબંધ પૂરતો નથી. તેઓ ડિજિટલ શિક્ષણ, જવાબદાર સોશિયલ મીડિયા ઉપયોગ અંગે જાગૃતિ અને ટેક કંપનીઓ દ્વારા બાળકોને અનુકૂળ સુરક્ષિત પ્લેટફોર્મ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે.

Leave a Comment

Traffic Tail