રાજકોટમાં વેપન કાર્ટેલ ગેંગ સામે PCBનો મોટો ઘા: વધુ ત્રણ આરોપી ઝડપાયા, કુલ 34 ગેરકાયદેસર હથિયારો જપ્ત

અત્યાર સુધી 17 શખ્સોની ધરપકડ, 32 જીવતા કારતૂસ કબજે; ગેરકાયદેસર હથિયારોના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ

રાજકોટ: શહેરમાં ગેરકાયદેસર હથિયારોના રેકેટ સામે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ (PCB)ની કાર્યવાહી સતત વિસ્તરી રહી છે. વેપન કાર્ટેલ ગેંગની તપાસમાં વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ કબજે કરવામાં આવી છે. આ સાથે સમગ્ર ઓપરેશનમાં અત્યાર સુધી 17 આરોપીઓની ધરપકડ, 34 ગેરકાયદેસર દેશી હથિયારો અને 32 જીવતા કારતૂસ જપ્ત કરીને પોલીસે મોટા હથિયાર રેકેટનો પર્દાફાશ કર્યો છે.

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ અને PCB પીઆઈ એમ.આર. ગોંડલીયાની આગેવાનીમાં ચાલી રહેલી તપાસ દરમિયાન અગાઉ ઝડપાયેલા મુખ્ય સૂત્રધારો શકીલ મન્સૂરી, પ્રદીપ કરપડા અને દર્શન ઉર્ફે ગાવસ્કરની પૂછપરછમાં અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી હતી. કોર્ટ દ્વારા મળેલા વધારાના ચાર દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે હથિયારોના સપ્લાય નેટવર્ક સુધી પહોંચવામાં મહત્વની સફળતા મેળવી હતી.

તપાસ દરમિયાન શકીલ મન્સૂરીએ કિશોર કોબીયા, વિપુલ સાંકળીયા અને સાવન ડાભીને ગેરકાયદેસર હથિયારો આપ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કિશોર ઉર્ફે ભગત વજા કોબીયા (ચોટીલા), વિપુલ ઉર્ફે ભોલુ ભરત સાંકળીયા (ચોટીલા) અને **સાવન કેશુ ડાભી (રાજકોટ)**નો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કિશોરે દર્શન ઉર્ફે ગાવસ્કર પાસેથી બે હથિયારો મેળવ્યા હતા, જેમાંથી એક હથિયાર તેણે વિપુલને આપ્યું હતું. જ્યારે સાવન ડાભીએ મુખ્ય સૂત્રધાર શકીલ મન્સૂરી પાસેથી સીધું હથિયાર મેળવ્યું હોવાનું સ્વીકાર્યું છે. ત્રણેય આરોપીઓએ પોતાના વિસ્તારમાં દબદબો અને રોફ જમાવવા માટે હથિયારો રાખ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

PCBના જણાવ્યા મુજબ, વેપન કાર્ટેલ ગેંગ માત્ર હથિયારોનું વેચાણ જ નહીં પરંતુ સમગ્ર સપ્લાય ચેઇન સાથે સંકળાયેલું સંગઠિત નેટવર્ક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ નેટવર્કના અન્ય સભ્યો, સપ્લાયરો અને ખરીદદારો સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

આ સમગ્ર કાર્યવાહી પીઆઈ એમ.આર. ગોંડલીયાની આગેવાની હેઠળ પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એએસઆઈ મયુર પાલરિયા, સંતોષ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Leave a Comment

Traffic Tail