કલ્પસર સાકાર થતાં સૌરાષ્ટ્ર દેશનો સૌથી પાણીદાર પ્રદેશ બનશે: સી.આર. પાટીલ

સણોસરામાં કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીના સન્માન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીનો વિશ્વાસ; જળસંચયને રાષ્ટ્રની પ્રાથમિકતા ગણાવી

સણોસરા (ભાવનગર): દેશની સૌથી મહત્ત્વાકાંક્ષી જળસંચય યોજનાઓમાંની એક કલ્પસર યોજનાને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે, કલ્પસર યોજના અમલમાં આવ્યા બાદ સૌરાષ્ટ્ર સમગ્ર દેશમાં સૌથી વધુ પાણી સમૃદ્ધ, હરિયાળો અને કૃષિ વિકાસમાં અગ્રેસર પ્રદેશ બનશે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ ઐતિહાસિક યોજનાને સાકાર કરવા પ્રતિબદ્ધ છે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાતના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીના અભિનવ સન્માન સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં સી.આર. પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત–2047ના વિઝનમાં પાણીનું સંરક્ષણ અને જળવ્યવસ્થાપન કેન્દ્રસ્થાને છે.

તેમણે જણાવ્યું કે, “પાણીનો ઉપયોગ કરવાનો અધિકાર દરેકને છે, પરંતુ પાણીનું સંરક્ષણ કરવું સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે.” તેમણે લોકોને વધુમાં વધુ જળસંચયના પ્રયાસો કરવા આહ્વાન કર્યું અને કલ્પસર જેવી બહુહેતુક યોજના ગુજરાતના ભવિષ્યને નવી દિશા આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

સમારોહમાં સન્માનિત વિનુભાઈ ગાંધીએ જણાવ્યું કે ખંભાતનો અખાત પ્રકૃતિએ ગુજરાતને આપેલી અમૂલ્ય ભેટ છે અને આ જ સ્થળે કલ્પસરનું સ્વપ્ન સાકાર થવાનું છે. તેમણે આશા વ્યક્ત કરી કે વર્ષોથી ચાલી રહેલું આ અભિયાન હવે હકીકતમાં પરિવર્તિત થશે.

કલ્પસર સહયોગ સમિતિ દ્વારા વિનુભાઈ ગાંધીને રૂ.11,11,111ની સન્માનરાશિ અર્પણ કરવામાં આવી હતી. જોકે તેમણે પોતાની તરફથી રૂ.11,111 ઉમેરી સમગ્ર રૂ.11,22,222ની રકમ કલ્પસર અંગે જનજાગૃતિ અને અભિયાન માટે સમિતિને પરત અર્પણ કરીને નિઃસ્વાર્થ સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત જીવરાજભાઈ સુરાણી (ધારૂકાવાળા) તથા લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેના હસ્તે દીપપ્રાગટ્યથી થઈ હતી. સમારોહમાં જળવિચારકો, સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ કલ્પસર યોજનાને ગુજરાતના ભવિષ્ય માટે ગેમચેન્જર ગણાવી હતી.

Leave a Comment

Traffic Tail