કડી કોર્ટે ATSને વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા; ટાઈમ બોમ્બ અને જેહાદી સાહિત્યની તપાસ વધુ તેજ
કડી: ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા હોવાના આરોપસર ઝડપાયેલા 8 શંકાસ્પદ આતંકીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસને આગળ વધારવા માટે ATSએ કોર્ટ સમક્ષ વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ATSને વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસ દરમિયાન ટાઈમ બોમ્બ બનાવવા સંબંધિત માહિતી, જૈશ-એ-મહોમ્મદના સાહિત્ય તેમજ અન્ય ડિજિટલ અને ટેકનિકલ પુરાવાઓની વધુ તપાસ કરવાની જરૂરિયાત હોવાનું ATSએ કોર્ટમાં રજૂ કર્યું હતું.
નોંધનીય છે કે, આ કેસમાં અગાઉ પણ કડી કોર્ટે તમામ 8 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન મળેલા નવા પુરાવા અને પૂછપરછના આધારે તપાસને વધુ વિસ્તૃત કરવા માટે ATSએ ફરી રિમાન્ડ વધારવાની માંગ કરી હતી.
ગુજરાત ATS હવે આરોપીઓના સંભવિત નેટવર્ક, વિદેશી સંપર્કો, બોમ્બ બનાવવાની તૈયારી અને અન્ય સંડોવાયેલા શખ્સો અંગે સઘન તપાસ ચલાવી રહી છે.









