પ્રધાનમંત્રી મોદીએ ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી, હરિયાણાથી થયો ઐતિહાસિક પ્રારંભ

નવી દિલ્હી/જીંદ: ભારતે હરિત પરિવહન ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ સાથે ભારત પર્યાવરણને અનુકૂળ અને આધુનિક રેલવે વ્યવસ્થાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું આગળ વધ્યું છે.

સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલી આ 10 કોચવાળી હાઇડ્રોજન ટ્રેન હરિયાણાના જીંદ-સોનીપત વચ્ચેના અંદાજે 89 કિલોમીટર લાંબા રૂટ પર દોડશે. ટ્રેનનું સંચાલન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલોજીથી કરવામાં આવશે, જેના કારણે પરંપરાગત ડીઝલ ટ્રેનોની સરખામણીએ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે.

આ ટ્રેનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કામગીરી દરમિયાન કાર્બન ઉત્સર્જન કરતી નથી. હાઇડ્રોજન ફ્યુઅલ સેલ દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાના પરિણામે માત્ર પાણીની વરાળ અને ગરમી જ બહાર નીકળે છે, જેના કારણે તેને ‘ઝીરો પોલ્યુશન’ ટ્રેન તરીકે ઓળખવામાં આવી રહી છે.

ભારતીય રેલવે માટે આ પ્રોજેક્ટ ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં દેશના અન્ય રૂટ પર પણ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનો દોડાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે, જેથી ડીઝલ પરની નિર્ભરતા ઘટે અને પર્યાવરણનું સંરક્ષણ વધુ મજબૂત બને.

પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત સ્વચ્છ ઊર્જા, આધુનિક ટેક્નોલોજી અને આત્મનિર્ભરતાના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે અને હાઇડ્રોજન ટ્રેન તેનો જીવંત પુરાવો છે.

Leave a Comment

Traffic Tail