ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું હજુ સુધી મર્યાદિત ગતિએ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 25.10 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદની આવક સાથે રાજ્યના મોટા ભાગના જળાશયોમાં પાણીનો જથ્થો વધ્યો છે, જ્યારે રાજ્યની જીવનરેખા ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં 65.61 ટકા જળસંગ્રહ નોંધાતા પાણીની સ્થિતિ વધુ મજબૂત બની છે.
વરસાદના ઝોનવાર આંકડાઓ મુજબ દક્ષિણ ગુજરાત 35.29 ટકા વરસાદ સાથે સૌથી આગળ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં 27.98 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 17.83 ટકા અને ઉત્તર ગુજરાતમાં 14.39 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ કચ્છમાં માત્ર 2.14 ટકા વરસાદ નોંધાતા હજુ પણ ચોમાસું નબળું રહ્યું છે.
રાજ્યના જળાશયોમાં પણ સારો જળસંગ્રહ નોંધાયો છે. હાલમાં 5 જળાશયો 100 ટકા ભરાઈ ચૂક્યા છે, જ્યારે 20 જળાશયો 70થી 100 ટકા ક્ષમતા સુધી પહોંચ્યા છે. ઉપરાંત 24 જળાશયોમાં 50થી 70 ટકા, 51 જળાશયોમાં 25થી 50 ટકા અને 106 જળાશયોમાં 25 ટકા સુધી પાણીનો સંગ્રહ નોંધાયો છે.
સરદાર સરોવરમાં વધતા જળસંગ્રહને કારણે પીવાના પાણી, સિંચાઈ અને ઔદ્યોગિક જરૂરિયાતો માટે આગામી સમયગાળામાં પૂરતી ઉપલબ્ધિ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.
હવામાન વિભાગ આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ પર સતત નજર રાખી રહ્યું છે. જો ચોમાસું વધુ સક્રિય બનશે તો રાજ્યના જળાશયોમાં પાણીની આવકમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.









