સુરત/આણંદ: સુરત જિલ્લાના બારડોલીમાં આવેલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. બીજી તરફ આણંદ જિલ્લામાં દારૂના નશામાં બેફામ કાર ચલાવી અકસ્માત સર્જનાર પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ધમકીભર્યો ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હતો. ઈ-મેઈલમાં બપોરે 1:15 વાગ્યા સુધીમાં બંને ઓફિસોને ખાલી કરાવી દેવાની ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ સાયનાઈડ ગેસથી ભરેલા IED બોમ્બ વિસ્ફોટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ધમકી મળતાં જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બંને ઓફિસોને તાત્કાલિક ખાલી કરાવી સમગ્ર પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ધમકીની સત્યતા અંગે તપાસ ચાલુ છે.
બીજી તરફ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક (જઙ) કચેરીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. વસાવા દારૂના નશામાં ઝડપાતા પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે.
આરોપ મુજબ પી.આઈ. વસાવાએ નશાની હાલતમાં બોરસદ વિસ્તારમાં બેફામ કાર હંકારી અનેક અકસ્માતો સર્જ્યા હતા. પ્રથમ એક કારને ટક્કર માર્યા બાદ વહેરા પાટિયા પાસે બાઈકને અડફેટે લેતા બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત બાદ પણ કાર રોક્યા વિના તેઓ નાપા તરફ ભાગી ગયા હતા. જોકે નાપા નજીક કાર દિવાલ સાથે અથડાઈ ઝાડીઓમાં ઉતરી જતા સ્થાનિક લોકોએ તેમને ઝડપી બોરસદ ગ્રામ્ય પોલીસને સોંપ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.









