ભાવનગર: અષાઢ માસના પ્રારંભ સાથે જ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવતીકાલે શુકનવંતી અષાઢી બીજના પાવન પર્વે રાજકોટ, ભાવનગર, બાબરા સહિત અનેક શહેરોમાં ભવ્ય રથયાત્રાઓ યોજાશે. ભાવનગરમાં 41મી રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસ તંત્રએ અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.
ભાવનગરના લીલા સર્કલ સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા સવારે 9 વાગ્યે પ્રસ્થાન કરશે. રથયાત્રા ઇસ્કોન મંદિરથી હેલપાર્ક, જ્ઞાનમંજરી સ્કૂલ, સરદાર પટેલ સ્કૂલ, ભગવતી સર્કલ, વિરાણી સર્કલ અને લીલા સર્કલ થઈ ફરી ઇસ્કોન મંદિર પર પરત ફરશે.
આ પ્રસંગે 300 કિલો બુંદી પ્રસાદ, 251 કિલો ચણાનો પ્રસાદ તેમજ ફળ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સુરતથી આવેલા વિશેષ કીર્તન મંડળ દ્વારા સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાશે.
ઇસ્કોન મંદિરના અધ્યક્ષ વેણુ ગાયકદાસજીએ જણાવ્યું કે, જગન્નાથ પુરીના રથની પ્રેરણાથી તૈયાર કરાયેલો 25 ફૂટ લાંબો અને હાઇડ્રોલિકથી 32 ફૂટ સુધી ઊંચો થતો ભવ્ય રથ આ યાત્રાનું મુખ્ય આકર્ષણ બનશે.
રથયાત્રા પૂર્વે ભગવાનની પરંપરાગત નેત્રોત્સવ વિધિ પણ વિધિવત સંપન્ન કરવામાં આવી હતી. મોસાળથી પરત ફરેલા ભગવાનને ઔષધીય સેવા આપી નેત્રોમાં દવા અને મધ લગાવી પાટા બાંધવાની વિધિ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોની હાજરીમાં યોજાઈ હતી.
રાજકોટ અને અન્ય સ્થળોએ પણ ઉજવણી
રાજકોટમાં જગન્નાથજી મંદિર, કૈલાશધામ આશ્રમ અને નાના મવા ખાતે 19મી ભવ્ય રથયાત્રા યોજાશે. ઇસ્કોન મંદિર દ્વારા પણ સાંજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે.
એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુળ, રીબડા દ્વારા પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના 125મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
બાબરા ખાતે ગેબી વિસામામાં ભગવાન રામદેવજી મહારાજના સાનિધ્યમાં અષાઢી બીજ મહોત્સવ અંતર્ગત આરતી, પાઠ-જ્યોત દર્શન, સંતવાણી અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાશે.
ભાવનગરમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા
રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયા છે તેમજ હિસ્ટ્રીશીટરો અને અસામાજિક તત્વો સામે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે.
રથયાત્રા દરમિયાન:
- 15 એએસપી/ડીવાયએસપી
- 48 પોલીસ ઇન્સ્પેક્ટર
- 106 સબ ઇન્સ્પેક્ટર
- 1,836 પોલીસ જવાનો
- 1,500 હોમગાર્ડ
- એસઆરપીની 4 કંપની
- 32 ઘોડેસવાર પોલીસ
- 21 ગેસમેન
તૈનાત રહેશે.
આ ઉપરાંત 12 વોચ ટાવર, 24 વિડિયોગ્રાફર, 80 હાઇ-પાવર દૂરબીન, 140 વોકી-ટોકી, 31 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, 4 એમ્બ્યુલન્સ અને 4 ફાયર ફાઈટર ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
પોલીસ તંત્રએ નાગરિકોને શાંતિપૂર્ણ રીતે રથયાત્રામાં જોડાવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.









