વોશિંગ્ટન/તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈન્ટરવ્યુ દરમિયાન ઈરાનના સૈન્ય અને નેતૃત્વને લઈને અનેક મોટા દાવા કર્યા છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને ઈરાને તેને નકારી કાઢ્યા છે.
ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈના પુત્ર અને સંભવિત ઉત્તરાધિકારી મોજતબા ખામેનેઈ હવાઈ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા અને ઈઝરાયેલની કાર્યવાહીને કારણે ઈરાનનું ટોચનું સૈન્ય નેતૃત્વ અને લશ્કરી ક્ષમતાને મોટો ફટકો પહોંચ્યો છે.
ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે ઈરાનની નૌકાદળ, વાયુસેના અને હવાઈ સુરક્ષા વ્યવસ્થાને ભારે નુકસાન થયું છે. જોકે, આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર અને સ્વતંત્ર પુષ્ટિ સામે આવી નથી.
અમેરિકાએ હોર્મુઝ જળમાર્ગની સુરક્ષાને લઈને નવી દરિયાઈ વ્યૂહરચનાનો સંકેત આપ્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા આ મહત્વપૂર્ણ જળમાર્ગમાંથી પસાર થતાં વેપારી જહાજોની સુરક્ષા માટે વધુ સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર છે અને સુરક્ષા ખર્ચ અંગે પણ વિચારણા ચાલી રહી છે.
બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ટ્રમ્પના તમામ દાવાઓને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા માટે ઈરાન પોતાની જવાબદારી નિભાવતું રહ્યું છે અને અમેરિકાના નિવેદનોને રાજકીય પ્રચાર ગણાવ્યા છે.
બંને દેશોના નિવેદનો બાદ પશ્ચિમ એશિયામાં વધતા તણાવને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર વિશ્વભરની નજર છે.









