અમેરિકામાં ફરી ગન હિંસાનો કહેર: ઇલીનોયમાં માસ શૂટિંગમાં એક જ પરિવારના પાંચના મોત, બેની હાલત ગંભીર

વોશિંગ્ટન: અમેરિકામાં ગન હિંસાની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઇલીનોય રાજ્યના ઈસ્ટ સેન્ટ લૂઈસ વિસ્તારમાં થયેલા માસ શૂટિંગમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ સર્જ્યો છે.

ઇલીનોય સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, રવિવાર દરમિયાન ત્રણ અલગ-અલગ સ્થળોએ ગોળીબાર થયાની માહિતી મળી હતી. જેમાં એક પબ્લિક હાઉસિંગ કોમ્પ્લેક્સ, એક પાર્ક અને એક રહેણાંક મકાનનો સમાવેશ થાય છે. તમામ ઘટનાઓ પરસ્પર જોડાયેલી છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.

પોલીસે પ્રાથમિક કાર્યવાહી દરમિયાન બે શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લીધા છે. જોકે તપાસ ચાલુ હોવાથી તેમની સામે હજુ સુધી કોઈ સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો નથી. બંને શંકાસ્પદ સગીર વયના હોવાનું જણાવાતા કાયદાકીય કારણોસર તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

તપાસ એજન્સીઓ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે હુમલામાં કેટલાં હથિયારોનો ઉપયોગ થયો હતો, હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું. પરિવારિક વિખવાદ, અંગત અદાવત અથવા અન્ય ગુનાહિત કારણો સહિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં બે લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે. પોલીસે ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા એકત્રિત કરીને સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Leave a Comment

Traffic Tail