રાજકોટ: અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આધુનિક સુવિધાઓથી સજ્જ બનેલા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું આગામી 17 જુલાઈ, શુક્રવારે બપોરે 2 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સ મારફતે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે.
રાજકોટ રેલવે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, દરરોજ આશરે 6,900 મુસાફરોની અવરજવર ધરાવતા ભક્તિનગર સ્ટેશનનો રૂ. 26.80 કરોડના ખર્ચે સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. તેમાં સ્ટેશન ભવનના વિકાસ પાછળ રૂ. 21.81 કરોડ અને ફૂટ ઓવર બ્રિજના નિર્માણ પાછળ રૂ. 4.99 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સ્ટેશનના પુનર્વિકાસ અંતર્ગત પ્લેટફોર્મ નંબર-1 પર કોટા સ્ટોન ફ્લોરિંગ, પ્લેટફોર્મ નંબર-2 અને 3 પર નવા કવર શેડ, આધુનિક ACP ક્લેડિંગ સાથે આકર્ષક સ્ટેશન ભવન તેમજ મુસાફરો માટે અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર તૈયાર કરવામાં આવ્યા છે. આશરે 8,600 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્ટેશન ભવનનું અપગ્રેડેશન તેમજ 2,760 ચોરસ ફૂટના વિશાળ કોનકોર્સ હોલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
મુસાફરોની સુવિધા માટે એરકન્ડિશન્ડ પ્રતીક્ષાલય, આધુનિક VIP રૂમ, સ્વચ્છતા સુવિધાઓ, અદ્યતન સાઇનેજ સિસ્ટમ, શ્રેષ્ઠ લાઇટિંગ અને વેન્ટિલેશન જેવી આધુનિક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. સ્ટેશન પરિસરને હરિયાળું બનાવવા માટે આશરે 25,685 ચોરસ ફૂટ વિસ્તારમાં ગાર્ડન અને સર્ક્યુલેટિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત દિવ્યાંગજન માટે અનુકૂળ રેમ્પ, ટેક્ટાઇલ ટાઇલ્સ, આધુનિક મોડ્યુલર શૌચાલય, એક લાખ લીટર ક્ષમતાનો ભૂગર્ભ જળસંપ અને ઓવરહેડ RCC ટાંકી પણ બનાવવામાં આવી છે.
મુસાફરોની સરળ અવરજવર માટે 12 મીટર પહોળો મુખ્ય ફૂટ ઓવર બ્રિજ, વેરાવળ તરફ 3.66 મીટર પહોળો વધારાનો ફૂટ ઓવર બ્રિજ તેમજ વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો, ગર્ભવતી મહિલાઓ અને બાળકો સાથે મુસાફરી કરનારા મુસાફરોની સુવિધા માટે 20 મુસાફરોની ક્ષમતા ધરાવતી ચાર આધુનિક લિફ્ટ પણ સ્થાપિત કરવામાં આવી છે.
ભક્તિનગર રેલવે સ્ટેશનના કાયાકલ્પ બાદ હવે મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે વધુ આરામદાયક અને સુવિધાસભર મુસાફરીનો અનુભવ મળશે.









