રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલેશન કામગીરી દરમિયાન કથિત ‘કાજુકતરી જમણવાર’, પાણી, JCB, ટ્રેક્ટર સહિતના ખર્ચને લઈને ઉઠેલા વિવાદની તપાસ હજુ સુધી પૂર્ણ થઈ નથી. તપાસ સમિતિની કામગીરીમાં થઈ રહેલા વિલંબને લઈને કોર્પોરેશનના વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર મામલાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી. જેના કારણે કોર્પોરેશનમાં ચર્ચા ચાલી રહી છે કે આખરે આ વિલંબ પાછળનું સાચું કારણ શું છે?
ચર્ચા એવી પણ છે કે તપાસ દરમિયાન કેટલાક અધિકારીઓને જવાબદાર ઠેરવવા કે કેટલાકને બચાવવાના મુદ્દે મતભેદો ઉભા થતાં રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. જોકે, આ અંગે કોર્પોરેશન તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વિપક્ષ અને જાગૃત નાગરિકો દ્વારા માંગ ઉઠી રહી છે કે સમગ્ર મામલે તપાસ અહેવાલ જાહેર કરીને જવાબદારો સામે પારદર્શક કાર્યવાહી કરવામાં આવે, જેથી વાસ્તવિક હકીકત લોકો સમક્ષ આવી શકે.
હવે સૌની નજર તપાસ સમિતિના રિપોર્ટ પર છે. ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે આખરે કથિત ‘કાજુકતરી કાંડ’ અંગેનો સત્ય બહાર આવશે કે નહીં અને જવાબદારો સામે શું કાર્યવાહી થશે?









