દારૂબંધી છતાં ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી યથાવત: રાજકોટ-મોરબી જિલ્લામાં લાખો રૂપિયાનો જથ્થો જપ્ત

રાજકોટ: ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરીના બનાવો સતત સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ અને મોરબી જિલ્લામાં પોલીસે અલગ-અલગ કાર્યવાહીમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ, વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને અનેક આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હોવાનું પોલીસએ જણાવ્યું છે.

રાજકોટ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચે જેતપુર તાલુકાના જીવણપરા ગામ નજીક દરોડો પાડી ટ્રેક્ટર-ટ્રોલીમાં બનાવેલા ગુપ્ત ખાણામાંથી અંદાજે રૂ. 65 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે બાબુલાલ કેવલરામ સોલંકી, રાજુલ લક્ષ્મણભાઈ ગોહેલ અને સાગર ઘના પરમારની ધરપકડ કરી હતી. ટ્રેક્ટર-ટ્રોલી સહિત કુલ અંદાજે રૂ. 8.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

બીજી તરફ વિંછીયા તાલુકાના મોટા હડમતીયા ગામની સીમમાં પોલીસે કાર્યવાહી દરમિયાન બે ટ્રકમાંથી અંદાજે રૂ. 54.47 લાખનો દારૂ તેમજ ટ્રકો સહિત કુલ રૂ. 1.09 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું પોલીસએ જણાવ્યું છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામમાં તાલુકા પોલીસે એક વાડીમાં દરોડો પાડી અંદાજે રૂ. 29.47 લાખનો દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કેસમાં નાથા હરજીભાઈ વાંજા અને અશ્વિન નાથાભાઈ વાંજાની ધરપકડ કરવામાં આવી છે.

વાંકાનેર નજીક કોટડા નાયાણી ગામ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતાં કારચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. કારની તપાસ દરમિયાન અંદાજે રૂ. 3.10 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. કાર સહિત કુલ રૂ. 8.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વિવિધ વિસ્તારોમાંથી સતત મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમ છતાં રાજ્યમાં ગેરકાયદે દારૂના જાળાને લઈને ફરી અનેક સવાલો ઉભા થયા છે.

Leave a Comment

Traffic Tail