મહારાષ્ટ્રમાં ફરી ભૂકંપના આંચકા: બે દિવસમાં પાંચમી વખત ધરતી ધ્રૂજી, હિંગોલીમાં 3.5ની તીવ્રતા નોંધાઈ

મુંબઈ: મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. હિંગોલી જિલ્લામાં આજે સવારે 11:26 વાગ્યે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની 3.5ની તીવ્રતા નોંધાઈ હતી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ હિંગોલી જિલ્લાના વસઈ ગામની બહાર જમીનથી અંદાજે પાંચ કિલોમીટર ઊંડે હોવાનું નોંધાયું છે. આંચકાની અસર ઔંધા, નાગનાથ, કલમનુરી અને વાસમત તાલુકાના અનેક ગામોમાં અનુભવાઈ હતી, જ્યાં લોકો ભયના માહોલ વચ્ચે ઘરની બહાર દોડી આવ્યા હતા.

છેલ્લા બે દિવસમાં મરાઠવાડા વિસ્તારમાં નોંધાયેલો આ પાંચમો ભૂકંપ છે. અગાઉ 9 જુલાઈની મધરાત્રિ બાદ લાતૂર, નાંદેડ અને પરભણી સહિતના વિસ્તારોમાં 1:37થી 2:17 દરમિયાન સતત ત્રણ આંચકા નોંધાયા હતા, જેમાં રિક્ટર સ્કેલ પર અનુક્રમે 4.6, 3.6 અને 3.9ની તીવ્રતા નોંધાઈ હતી.

જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના તમામ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન થયાના અહેવાલ નથી. જોકે સતત નોંધાઈ રહેલા આંચકાઓને કારણે સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ યથાવત રહ્યો છે.

Leave a Comment

Traffic Tail