નવી દિલ્હી/વિયેતનામ: વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક ભારતીય પ્રવાસીઓને લઈને જઈ રહેલી ટૂરિસ્ટ બોટ પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. બોટમાં કુલ 32 લોકો સવાર હોવાનું સામે આવ્યું છે. બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધી 18 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 14 લોકો હજુ પણ લાપતા હોવાનું અધિકૃત રીતે જણાવાયું છે.
દુર્ઘટનાની જાણ થતાં વિયેતનામની બચાવ ટીમોએ તાત્કાલિક સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. સમુદ્રમાં લાપતા પ્રવાસીઓની શોધખોળ માટે કોસ્ટ ગાર્ડ, બચાવ બોટ અને અન્ય ટીમોને તૈનાત કરવામાં આવી છે.
ઘટનાને ધ્યાનમાં રાખીને વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય નાગરિકો અને તેમના પરિવારજનોને મદદરૂપ થવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે તેમજ સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં રહી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે લાપતા પ્રવાસીઓની શોધખોળ યુદ્ધસ્તરે ચાલી રહી છે અને તમામ ભારતીય નાગરિકોને જરૂરી સહાય પૂરી પાડવા માટે દૂતાવાસ સતત પ્રયાસ કરી રહ્યો છે. દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા શરૂ કરવામાં આવી છે.









