ગુરુગ્રામમાં પોલીસ-ગેંગસ્ટર વચ્ચે જોરદાર એન્કાઉન્ટર: દીપક નાંદલ ગેંગના 4 શૂટર ઠાર, 3 પોલીસકર્મી ઘાયલ

ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં મોડી રાત્રે પોલીસ અને કૂખ્યાત દીપક નાંદલ ગેંગ વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં ગેંગના ચાર શૂટર માર્યા ગયા, જ્યારે એક અન્ય શૂટર ગંભીર રીતે ઘાયલ થયો છે. એન્કાઉન્ટર દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના ત્રણ પોલીસકર્મી પણ ગોળી વાગતાં ઈજાગ્રસ્ત થયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે દીપક નાંદલ ગેંગના હથિયારધારી શૂટરો ગુરુગ્રામ વિસ્તારમાં છુપાયેલા છે. માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વિશેષ ઓપરેશન હાથ ધરી સંદિગ્ધોની ઘેરાબંધી કરી હતી.

પોલીસ ટીમ સ્થળે પહોંચતા જ આરોપીઓએ બચવા માટે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારબાદ પોલીસે પણ સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરતાં બંને તરફથી ભારે ફાયરિંગ થયું અને સમગ્ર વિસ્તાર ગોળીબારના અવાજોથી ધણધણી ઊઠ્યો.

પોલીસના જણાવ્યા મુજબ, અથડામણમાં ગેંગના ચાર શૂટર ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા, જ્યારે પાંચમો શૂટર ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની સારવાર કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે.

આ એન્કાઉન્ટરમાં ક્રાઈમ બ્રાન્ચના ત્રણ જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.

ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. સ્થળ પરથી હથિયારો અને અન્ય પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોલીસ સમગ્ર ઘટનાક્રમ તેમજ ગેંગના અન્ય સભ્યોની સંડોવણી અંગે વધુ તપાસ કરી રહી છે.

Leave a Comment

Traffic Tail