આંધ્રપ્રદેશમાં ફરી કોરોના ચિંતા: કડપ્પામાં બે દર્દીનાં મોત, ચાર નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ

અમરાવતી: એક સમય સમગ્ર દેશમાં ભારે અસર સર્જનાર કોરોના વાયરસને લઈને ફરી ચિંતા વધી છે. આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં કોવિડ-19 સંક્રમણને કારણે બે દર્દીનાં મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે ચાર નવા પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, નવા સંક્રમિત દર્દીઓમાં મોટાભાગે હળવા લક્ષણો જોવા મળ્યા હોવાથી તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે એક દર્દીની તબિયત બગડતાં તેને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

માહિતી મુજબ, 28 જૂને તિરુપતિની હોસ્પિટલમાં દાખલ કરાયેલા 60 વર્ષીય દર્દીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે તેમને વેલ્લોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ તેમને ડાયાબિટીસ અને કિડની સંબંધિત ગંભીર બીમારીઓ પણ હતી.

બીજા 43 વર્ષીય વ્યક્તિનો પણ કોરોના સંક્રમણ બાદ મૃત્યુ થયો હોવાનું જણાવાયું છે. જોકે તેમની અન્ય તબીબી વિગતો અંગે હજી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

આ બે ઘટનાઓ બાદ આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારમાં ટેસ્ટિંગ અભિયાન તેજ કર્યું છે. તપાસ દરમિયાન વધુ ચાર લોકો કોરોના પોઝિટિવ મળી આવતા તેમને જરૂરી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સાથે જ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘર-ઘર સર્વે અને ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail