મહેસાણા: કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અમીન હુસેન શેખને ગાંધીનગર ACBએ રૂ. 80 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપ્યો છે.
ACBની પ્રાથમિક તપાસ મુજબ, લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદનો નિકાલ કરી અનુકૂળ કાર્યવાહી કરી આપવાના બહાને કોન્સ્ટેબલે ફરિયાદી પાસેથી રૂ. 2 લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં બંને પક્ષો વચ્ચે રૂ. 80 હજાર આપવાનું નક્કી થયું હતું.
ફરિયાદના આધારે ગાંધીનગર ACBએ ઈરાણા ત્રણ રસ્તા નજીક છટકું ગોઠવ્યું હતું. જ્યાં આરોપી કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
ગાંધીનગર ACBએ આરોપી અમીન હુસેન શેખની ધરપકડ કરીને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન લાંચ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.









