પીઠડીયા ટોલનાકા પાસે LCBનો દરોડો: ઇનોવા કારમાંથી રૂ.3.43 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, કુલ રૂ.18.60 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ: રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. પીઠડીયા ટોલનાકા નજીક પોલીસે દરોડો પાડી ઇનોવા કારમાંથી રૂ.3.43 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન કુલ રૂ.18.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે બે આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, રૂરલ LCBના પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે વિરપુરથી જેતપુર તરફ એક ઇનોવા કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો છે અને તેની આગળ એક ક્રેટા કાર પાઇલોટિંગ કરી રહી છે.

બાતમીના આધારે પોલીસે પીઠડીયા ગામ નજીક ખોડિયાર હોટલ પાસે વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ ઇનોવા અને ક્રેટા કાર ત્યાંથી પસાર થતાં પોલીસે બંને વાહનોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

તપાસ દરમિયાન ઇનોવા કારમાંથી વિદેશી દારૂની 1,309 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, ઇનોવા કાર સહિત કુલ રૂ.18.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કેસમાં પોલીસે **પ્રિન્સ કુરજી પરમાર (રહે. ગોંડલ)**ની ધરપકડ કરી છે. જ્યારે વિશાલ ઉર્ફે નાનુ રમેશ સાકરીયા (રહે. બિલિયાડા, ગોંડલ) તેમજ ક્રેટા કારનો ચાલક જોરુ મનુ પટગીર (રહે. નોલી સાયલા) પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. બંને ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.

પોલીસ સમગ્ર રેકેટની કડીઓ અને દારૂના સપ્લાય નેટવર્ક અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Comment

Traffic Tail