મુંબઈ: મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ગુરુવારની મધરાત્રે ભૂકંપના સતત આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મરાઠવાડાના નાંદેડ, હિંગોલી અને પરભણી જિલ્લામાં બે કલાકથી પણ ઓછા સમયમાં ચાર વખત ધરતી ધ્રૂજતાં લોકો ઊંઘમાંથી જાગીને સલામતી માટે ઘરની બહાર દોડી આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ, રાત્રે 1:37 વાગ્યાથી 3:23 વાગ્યા દરમિયાન ભૂકંપના ચાર આંચકા નોંધાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6થી 4.6 વચ્ચે નોંધાઈ હતી. સતત આવેલા આંચકાઓને કારણે અનેક વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, પ્રથમ ભૂકંપનો આંચકો રાત્રે લગભગ 1:37 વાગ્યે સિરણી-પાંગરા શિંદે ગામ નજીક અનુભવાયો હતો. ત્યારબાદ 2:15 વાગ્યે કકડધાબા ગામ નજીક 3.6ની તીવ્રતાનો બીજો ઝટકો આવ્યો હતો. તેના બે મિનિટ બાદ ફરી એક વખત ધરતી ધ્રૂજી હતી અને ત્યારબાદ 3:23 વાગ્યે ચોથો આંચકો નોંધાયો હતો.
ભૂકંપ બાદ લોકો ભયભીત થઈને ખુલ્લા વિસ્તારોમાં એકત્ર થયા હતા. જોકે, પ્રાથમિક અહેવાલો મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા પાયે મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી.
સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે.









