ચોમાસાની શરૂઆતમાં જ છલકાયો શેત્રુંજી ડેમ: ભાવનગર માટે મોટી રાહત, ખેડૂતોમાં ખુશીની લહેર

100 ટકા ભરાતા 20 દરવાજા ખોલાયા; 17 ગામોને એલર્ટ, નદીકાંઠાના લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ

ભાવનગર: ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રના સૌથી મોટા જળાશયોમાંના એક શેત્રુંજી ડેમે ચોમાસાની શરૂઆતમાં જ સંપૂર્ણ જળસંગ્રહ ક્ષમતા પ્રાપ્ત કરીને સોમવારે સાંજે ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થતાં ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. ડેમ છલકાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

34 ફૂટની સંપૂર્ણ જળસપાટી ધરાવતા શેત્રુંજી ડેમના ઓવરફ્લો થતાં ભાવનગર શહેર માટે આગામી એક વર્ષ સુધી પીવાના પાણીની ચિંતા દૂર થઈ છે. સાથે જ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થતાં કૃષિ ક્ષેત્રને પણ મોટો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડેમમાં સતત વધી રહેલી પાણીની આવકને ધ્યાનમાં રાખીને તંત્રએ 59 દરવાજામાંથી 20 દરવાજા ખોલીને પાણીની નિયંત્રિત રીતે છોડવાની કામગીરી શરૂ કરી છે. જેના કારણે શેત્રુંજી નદીમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો છે.

નદીમાં પાણી છોડાતા જિલ્લા વહીવટી તંત્રએ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા સહિત તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર સહિત કુલ 17 ગામોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા પ્રશાસને નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને અનાવશ્યક અવરજવર ટાળવા, નદીમાં પ્રવેશ ન કરવા, પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

ચોમાસાની શરૂઆતમાં જ શેત્રુંજી ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ભાવનગર જિલ્લાના જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે. પીવાના પાણી અને સિંચાઈની દૃષ્ટિએ આ સ્થિતિ જિલ્લાવાસીઓ માટે રાહતરૂપ સાબિત થઈ છે, જ્યારે ખેડૂતોમાં પણ સારા વરસાદ અને ભરપૂર જળસંગ્રહને લઈને નવી આશા જાગી છે.

Leave a Comment

Traffic Tail