અમરેલીમાં સાડા ચાર ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર, ઠેબી ડેમના 6 દરવાજા ખોલાયા
રાજકોટ: સૌરાષ્ટ્રમાં ચોમાસું વધુ સક્રિય બનતાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન અનેક તાલુકાઓમાં 1થી 6 ઇંચ સુધી વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે અનેક નદીઓ બે કાંઠે વહેવા લાગી છે.
સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના ઘોઘામાં માત્ર બે કલાકમાં 6 ઇંચ નોંધાયો હતો. ભાવનગર શહેર અને શિહોરમાં આશરે સાડા ચાર ઇંચ વરસાદ પડતાં શહેરના મુખ્ય માર્ગો, સર્કલો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કાળિયાભીલ વિસ્તાર સહિત અનેક સોસાયટીઓમાં ચાર ફૂટ સુધી પાણી ભરાતાં વાહનો પાણીમાં ડૂબી ગયા હતા અને કેટલાક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયાં હતાં.
ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ઘોઘામાં 156 મીમી, ભાવનગર શહેરમાં 114 મીમી, શિહોરમાં 113 મીમી, ગારીયાધારમાં 86 મીમી, ઉમરાળામાં 80 મીમી, મહુવામાં 55 મીમી, પાલીતાણામાં 52 મીમી, જેસરમાં 48 મીમી અને તળાજામાં 35 મીમી વરસાદ નોંધાયો હતો.
અમરેલી જિલ્લામાં પણ વરસાદે જનજીવનને અસર કરી છે. અમરેલી શહેરમાં ગાજવીજ સાથે પડેલા અનરાધાર વરસાદને કારણે મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વડિયામાં 25 મીમી, બાબરામાં 111 મીમી, લાઠીમાં 117 મીમી, લીલિયામાં 68 મીમી, અમરેલીમાં 108 મીમી, સાવરકુંડલામાં 97 મીમી, ખાંભામાં 29 મીમી, રાજુલામાં 49 મીમી અને જાફરાબાદમાં 15 મીમી વરસાદ નોંધાયો હતો.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અમરેલી નજીક આવેલા ઠેબી ડેમમાં પાણીની આવક સતત વધતાં જળસ્તર નિયંત્રિત રાખવા માટે આજે વહેલી સવારે 6 દરવાજા 0.90 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા.
બગસરા પંથકમાં પણ ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરના નીચાણવાળા વિસ્તારો અને ઝૂંપડપટ્ટીમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સાવરકુંડલામાં નાવલી નદીમાં ફરી પાણીની આવક થતાં નદી ચોથી વખત બે કાંઠે વહેતી જોવા મળી હતી. નદીમાં આવેલા પૂરનો નજારો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
જામનગર જિલ્લામાં જોડિયા અને લાલપુરમાં અંદાજે એક ઇંચ, જ્યારે કાલાવડ અને ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં કેશોદમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે મેંદરડા, માણાવદર, વિસાવદર, વંથલી અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.









