સુરત: સુરત શહેરના ઉત્રાણ પોલીસે ઇંગ્લિશ દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 1,800 વિદેશી દારૂ અને બિયરની બોટલો સહિત કુલ રૂ.15.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂ, હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ટાટા હેરિયર કાર, મોબાઈલ ફોન તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર અન્ય શખ્સોની સંડોવણી પણ સામે આવી છે. પોલીસે તેમની ઓળખ મેળવી તેમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.
ઉત્રાણ પોલીસે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના મારફતે સપ્લાય થવાનો હતો તે દિશામાં પણ સઘન તપાસ ચાલી રહી છે.









