મુન્દ્રામાં ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ: 10 બાઇક બળીને ખાખ, ફાયર બ્રિગેડે સંભાળી મોરચો

મુન્દ્રા: કચ્છના મુન્દ્રા વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં નજીકમાં પાર્ક કરાયેલી 10 જેટલી બાઇકો બળીને ખાખ થઈ ગઈ હતી.

આગ લાગતાં ઘટનાસ્થળેથી દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા.

માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગને વધુ ફેલાતી અટકાવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ નુકસાનનું મૂલ્યાંકન અને ઘટનાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

Leave a Comment