ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગનો ‘મેજર કોલ’ જાહેર

મોરબી: ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીનો જથ્થો રાખવામાં આવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે તેને ‘મેજર કોલ’ જાહેર કરી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા લગભગ ચાર મહિના પહેલાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીનો જથ્થો રફાળેશ્વર GIDC વિસ્તારમાં આવેલી મેજિક સિરામિકની બંધ ફેક્ટરીમાં ગોડાઉન તરીકે સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આજે આ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ચાર ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટથી બે અને વાંકાનેરથી એક ફાયર ટીમને પણ મદદ માટે મોકલવામાં આવી છે.

ફાયર વિભાગ દ્વારા સતત આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે નુકસાનનું મૂલ્યાંકન આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ કરવામાં આવશે.

Leave a Comment

Traffic Tail