રાજકોટ: ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા અને રાજ્યના અનેક વિસ્તારોમાં વ્યાપકથી ભારે વરસાદ વરસતા ખાદ્યતેલોના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ ખાદ્યતેલોના ભાવમાં વધારો નોંધાયો છે, જેમાં સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં ₹15 સુધીનો વધારો થયો છે.
રાજકોટ તેલ બજારના ભાવ મુજબ, નવા સિંગતેલનો ડબ્બો ₹15ના વધારા સાથે ₹2,685થી ₹2,735 સુધી પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બો પણ ₹15 વધીને ₹2,600થી ₹2,650ના ભાવે વેચાઈ રહ્યો છે. પામોલીન તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે અને તેનો ડબ્બો ₹2,335થી ₹2,345ના ભાવે બોલાઈ રહ્યો છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અને આગામી દિવસોમાં વધુ ભારે વરસાદની આગાહીને કારણે કાચા માલની સપ્લાય પર અસર થવાની શક્યતા છે. ઉત્પાદન ઘટવાની આશંકા અને વરસાદી માહોલમાં માંગ વધવાની સંભાવનાને કારણે બજારમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
વેપારી વર્તુળોનું માનવું છે કે વરસાદનો હાલનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ રાજ્યમાં વાવેતરની સ્થિતિ સ્પષ્ટ બનશે, જેના આધારે ખાદ્યતેલોના ભાવમાં આગામી દિવસોમાં નવી દિશા નક્કી થશે.









