₹200 કરોડની અપ્રમાણસર સંપત્તિ કેસમાં DSPની ધરપકડ, ACBના દરોડામાં ચોંકાવનારો ખુલાસો

હૈદરાબાદ: તેલંગાણા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ આવકના જાણીતા સ્ત્રોત કરતાં અનેકગણી વધુ સંપત્તિ ધરાવવાના આરોપસર પોલીસ કોમ્પ્યુટર સર્વિસીસ (PCS) વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) સંકીરેડ્ડી ભીમ રેડ્ડીની ધરપકડ કરી છે.

ACBએ ગુરુવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાન સહિત રાજ્યભરના કુલ 16 સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન હૈદરાબાદમાં આવેલા વિલા, અનેક ફ્લેટ, કોમર્શિયલ મિલકતો, ખુલ્લા પ્લોટ તેમજ તેલંગાણા, કર્ણાટક અને બેંગ્લુરુમાં મળીને 50 એકરથી વધુ જમીન મળી આવી હતી.

તપાસ દરમિયાન અધિકારીઓને રૂ. 75 લાખનું રોકાણ, રૂ. 43.60 લાખની રોકડ, અંદાજે 2 કિલોગ્રામ સોનાના દાગીના, 20 કિલોગ્રામ ચાંદીના વાસણો તેમજ આશરે રૂ. 20 લાખની બેંક જમા રકમ પણ મળી આવી હતી.

ACBના જણાવ્યા મુજબ, આરોપી પાસે મળી આવેલી સંપત્તિનું અંદાજિત બજાર મૂલ્ય રૂ. 200 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે, જે તેમની કાયદેસરની આવક કરતાં અનેકગણું વધારે હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

દરોડાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ACBએ સંકીરેડ્ડી ભીમ રેડ્ડીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને સંપત્તિના સ્ત્રોત અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail