કચ્છ: દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા કચ્છના દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સ અને મરીન કમાન્ડોની ટીમોએ સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે.
અભિયાન દરમિયાન મોહાડીથી અલ્ટ્રાટેક જેટી સુધીના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં વ્યાપક તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા માટે વિવિધ સ્થળોએ વિશેષ ચેકિંગ હાથ ધરાયું હતું.
મરીન કમાન્ડોની ટીમે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ માર્ગો અને બોટોની પણ ચકાસણી કરવામાં આવી હતી.
આ સાથે સ્થાનિક માછીમારોને પણ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. કોઈ શંકાસ્પદ બોટ, વ્યક્તિ અથવા ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિ નજરે પડે તો તેની તાત્કાલિક જાણ સુરક્ષા એજન્સીઓને કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, કચ્છના દરિયાકાંઠે આગામી દિવસોમાં પણ આવા વિશેષ પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે.









