ગીર સોમનાથમાં મેઘતાંડવ: વેરાવળમાં 12 કલાકમાં 8 ઇંચ, કોડીનારમાં 4 ઇંચ વરસાદ; અમરેલી હાઈવે બંધ

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સૌથી વધુ અસર વેરાવળમાં જોવા મળી, જ્યાં માત્ર 12 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું. ભારે વરસાદના કારણે અનેક મુખ્ય માર્ગો, બજારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાઈ ગયું છે. બીજી તરફ, ભારે વરસાદને કારણે વેરાવળ–અમરેલી હાઈવે પણ વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો.

વેરાવળમાં આ સિઝનનો અડધાથી વધુ વરસાદ માત્ર ત્રણ દિવસમાં જ નોંધાયો છે. શહેરના ગાંધીચોક સહિતના મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં નુકસાનની સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં લોકોની અવરજવર મુશ્કેલ બની હતી.

ભારે વરસાદ વચ્ચે વેરાવળના આઇકોનિક રોડની પોલ પણ ખુલ્લી પડી હતી. નમસ્તે સર્કલથી ટાવર ચોક વચ્ચેના માર્ગ પર ઊંડા ખાડામાં એસટી બસ ફસાઈ ગઈ હતી. ઉપરાંત નવાપરા ગામ તરફ જતા માર્ગ પર પાણી ભરાતા ખાદ્યસામગ્રી ભરેલું વાહન પલટી જતાં માલસામાનને નુકસાન થયું હતું.

ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે દેવકા નદીમાં નવા નીરની આવક થતાં પાણીના પ્રવાહમાં વધારો નોંધાયો છે. જિલ્લામાં અનેક નીચાણવાળા વિસ્તારો અને ખેતીના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. જોકે, ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે અને ખરીફ પાક માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

હવામાન વિભાગે ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ યથાવત રાખ્યું છે અને આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દરિયાકાંઠે 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા અને દરિયામાં રહેલી બોટોને નજીકના બંદરો પર પરત ફરવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે.

જિલ્લામાં નોંધાયેલ વરસાદ (સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી):

  • વેરાવળ – 191 મી.મી. (8 ઇંચ)
  • સુત્રાપાડા – 92 મી.મી. (4 ઇંચ)
  • તાલાલા – 53 મી.મી. (2 ઇંચ)
  • કોડીનાર – 46 મી.મી. (લગભગ 2 ઇંચ)
  • ગીરગઢડા – 18 મી.મી. (1 ઇંચ)
  • ઊના – 8 મી.મી. (અડધો ઇંચ)

ભારે વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

Leave a Comment

Traffic Tail