દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ચીખલીમાં 2 કલાકમાં 8 ઇંચ, વલસાડ-ડાંગમાં 6-6 ઇંચ વરસાદ

અમદાવાદ: જુનાગઢ અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ બાદ હવે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારી, ડાંગ, વલસાડ અને સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, માર્ગો બંધ થયા છે અને લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ચીખલીમાં નોંધાયો, જ્યાં માત્ર બે કલાકમાં 8 ઇંચ અને સવારે છ કલાકમાં કુલ સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઈમાં બે કલાકમાં 6 ઇંચ અને છ કલાકમાં 10 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

વલસાડમાં બે કલાકમાં 6 ઇંચ અને કુલ સવા 7 ઇંચ, જ્યારે સુરતના અંબિકામાં બે કલાકમાં 5 ઇંચ અને કુલ 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના વાંસદામાં છ કલાકમાં સવા 8 ઇંચ, જ્યારે તાપીના ડોલવણ અને નવસારીના ગણદેવીમાં 7-7 ઇંચ વરસાદ નોંધાયો હતો.

સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 68 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, સેંકડો લોકોનું સ્થળાંતર કરવું પડ્યું અને સ્ટેટ હાઇવે સહિત 27 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 172 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 321 મીમી વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હોવા છતાં મહેસાણાના કડીમાં 9 ઇંચ વરસાદ પડતાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ભારતીય હવામાન વિભાગે 6 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસું હવે સતત સક્રિય બનતું જઈ રહ્યું છે. અત્યાર સુધી વરસાદથી વંચિત રહેલા વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે અને હવે રાજ્યમાં માત્ર 17 તાલુકા એવા બાકી રહ્યા છે જ્યાં નોંધપાત્ર વરસાદ થયો નથી. અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 8.46 ટકા નોંધાયો છે.

Leave a Comment

Traffic Tail