નવી દિલ્હી: મેડિકલ અને એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયામાં મોટો ફેરફાર થઈ શકે છે. NEET અને JEE જેવી પ્રવેશ પરીક્ષાઓમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાના ગુણને વેટેજ આપવાના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બોર્ડ પરીક્ષાના ગુણને 50 ટકા સુધી વેટેજ આપવાનો વિકલ્પ ચર્ચામાં છે.
આ મુદ્દે રચાયેલી હાઈ-પાવર કમિટી ટૂંક સમયમાં પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને સોંપશે. અહેવાલના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. જોકે, હાલ આ અંગે કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી અને ચર્ચા બાદ વેટેજની ટકાવારીમાં ફેરફાર પણ થઈ શકે છે.
જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ધ્યાન માત્ર એક જ પ્રવેશ પરીક્ષાના પરિણામ પર નિર્ભર નહીં રહે. બોર્ડ પરીક્ષાના પ્રદર્શનને પણ મહત્વ મળતાં વિદ્યાર્થીઓ પરનું માનસિક દબાણ ઘટી શકે છે.
પ્રસ્તાવિત ફેરફારના સંભવિત લાભ
- કોચિંગ સંસ્થાઓ પર વિદ્યાર્થીઓની નિર્ભરતા ઘટી શકે.
- પ્રવેશ પરીક્ષાઓને શાળાના અભ્યાસક્રમ સાથે વધુ સુસંગત બનાવી શકાય.
- ઉમેદવારોને એકથી વધુ વખત પરીક્ષા આપવાની તક મળે તો પરિણામનું દબાણ ઓછું થઈ શકે.
યોગ્યતા યથાવત રહેશે
પ્રસ્તાવ મુજબ ઉમેદવારોએ પરીક્ષા માટેની નિર્ધારિત લાયકાત પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. સાથે જ, વિદ્યાર્થીઓને એકથી વધુ વખત પરીક્ષા આપવાનો વિકલ્પ આપવાની શક્યતા પર પણ વિચારણા ચાલી રહી છે, જેથી તેઓ પોતાની અનુકૂળતા મુજબ શ્રેષ્ઠ સ્કોર મેળવી શકે.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રાલયે ગયા વર્ષે શિક્ષણ અને પ્રવેશ પરીક્ષા વ્યવસ્થામાં સુધારાના હેતુથી નવ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી. સમિતિએ કોચિંગ પર વધતી નિર્ભરતા, ડમી સ્કૂલોની પ્રથા તેમજ પ્રવેશ પરીક્ષાઓની પારદર્શિતા સહિતના મુદ્દાઓનો અભ્યાસ કરીને પોતાના સૂચનો તૈયાર કર્યા છે.









