ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં વધુ એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે, જ્યારે આઠ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનની સરહદ નજીક બની હતી.
પ્રાથમિક માહિતી મુજબ મુસાફરોથી ભરેલી બસ અચાનક નિયંત્રણ ગુમાવતા ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, રાહત અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન ઘાયલોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ વધુ ઝડપ અથવા માર્ગની જોખમી સ્થિતિ અકસ્માતનું કારણ હોઈ શકે છે, જોકે સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ કારણ સ્પષ્ટ થશે.
આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સ્થાનિક પ્રશાસને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.









