શિમલા: હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. સતત વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે રાજ્યમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. વિવિધ અકસ્માતો અને કુદરતી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે અનેક વિસ્તારોમાં માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો છે.
રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે હાલમાં 49 રસ્તાઓ બંધ છે. છેલ્લા 24 કલાક દરમિયાન શિમલા, કાંગડા, લાહૌલ-સ્પીતિ અને ચંબા જિલ્લામાં બનેલી અલગ-અલગ ઘટનાઓમાં બે મહિલાઓ સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે.
લાહૌલ-સ્પીતિના ઉદયપુરથી મયાડ ખીણ તરફ જતી બસના કંડક્ટર જ્ઞાનસિંહ પર પહાડી પરથી અચાનક પથ્થર પડતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. શિમલાના રામપુર પેટા વિભાગના પીપલીધાર વિસ્તારમાં 60 વર્ષીય મહિલાનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. કાંગડા જિલ્લાના દેહરામાં ટુલ્લુ પંપ લગાવતી વખતે એક પ્લમ્બરનું કરંટ લાગવાથી મોત થયું હતું, જ્યારે ચંબા જિલ્લાના અગાહર ગામમાં પગ લપસતાં એક મહિલા ઊંડી ખીણમાં ખાબકતાં જીવ ગુમાવ્યો હતો.
આપત્તિ વ્યવસ્થાપન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોના મોત નોંધાયા છે. જેમાં પડી જવાથી ચાર, ડૂબી જવાથી એક, વીજ કરંટ લાગવાથી એક અને અન્ય કારણોસર ત્રણ લોકોના મોત થયા છે.
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં નદી-નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચંબા જિલ્લાના ભરમૌર વિસ્તારમાં સિયુંર નાળામાં આવેલા પૂરના કારણે ગ્રીમા તરફ જતો માર્ગ લગભગ 60 ફૂટ સુધી ધોવાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
રાજ્યમાં વરસાદી આફત વચ્ચે 7 જેટલા કાચા મકાનોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું તંત્રએ જણાવ્યું છે. બીજી તરફ, રોહતાંગ, બારાલાચા અને શિંકુલા પાસમાં હળવી હિમવર્ષા નોંધાતા પર્વતીય વિસ્તારોમાં ઠંડીનો માહોલ ફરી જામ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરતાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.









