ISI સમર્થિત આતંકી મોડ્યુલનો પર્દાફાશ: દિલ્હી-પંજાબમાંથી ચાર શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા

ધાર્મિક સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવવાના કાવતરાનો ખુલાસો; વિદેશી પિસ્તોલ, કારતૂસ અને મોબાઇલ ફોન જપ્ત

નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આંતરરાજ્ય ઓપરેશનમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલા હોવાના આરોપ હેઠળ કાર્યરત એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી અને પંજાબમાં સંયુક્ત કાર્યવાહી દરમિયાન ચાર શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ધાર્મિક સ્થળો, પોલીસ મથકો અને ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવવાના કાવતરાનો ખુલાસો થયો હોવાનું પોલીસનું કહેવું છે.

પકડાયેલા આરોપીઓની ઓળખ શુભદીપ સિંહ ઉર્ફે વિશાલ, ગુરજંત સિંહ ઉર્ફે ઋષિ, સાજન સિંહ ઉર્ફે હની અને ગગનપ્રીત તરીકે કરવામાં આવી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ચારેય આરોપીઓ પાકિસ્તાનમાં બેઠેલા ISI હેન્ડલર શહઝાદ ભટ્ટીના સંપર્કમાં હતા.

કાર્યવાહી દરમિયાન પોલીસે તુર્કીમાં બનેલી ઝિગાના પિસ્તોલ સહિત બે વિદેશી પિસ્તોલ, નવ જીવતા કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. મોબાઇલ ફોનમાંથી મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા મળ્યા હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી શુભદીપે પૂછપરછ દરમિયાન સરહદ પારથી ડ્રોન મારફતે મોકલાતા હથિયારો અને નશીલા પદાર્થોના જથ્થા પ્રાપ્ત કરી આગળ પહોંચાડતો હોવાની કબૂલાત કરી છે. તેની પૂછપરછના આધારે પંજાબમાંથી અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે ગગનપ્રીતને દિલ્હીના ધાર્મિક સ્થળો, વ્યસ્ત બજારો, પોલીસ સ્ટેશનો અને અન્ય સંવેદનશીલ વિસ્તારોની રેકી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેણે આ સ્થળોના વીડિયો બનાવી પાકિસ્તાન સ્થિત હેન્ડલરો સુધી પહોંચાડ્યા હોવાનો પણ આરોપ છે. પોલીસના દાવા મુજબ, તેને ભીડભાડવાળા વિસ્તારમાં ગોળીબાર કરીને દહેશત ફેલાવવાનો ટાસ્ક પણ સોંપવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસને મળેલા ચોક્કસ ટેકનિકલ અને ગુપ્ત ઇનપુટ્સના આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મામલે ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આગળ વધારવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ હવે આરોપીઓના સંપર્કો, નેટવર્ક અને સંભવિત સ્લીપર સેલ અંગે વધુ માહિતી મેળવવા માટે સઘન પૂછપરછ કરી રહી છે.

Leave a Comment

Traffic Tail