દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: અર્ધા ગુજરાતમાં વરસાદ, પાંચ સ્થળે 8 ઇંચ સુધી પાણી

લાંબી રાહ બાદ ચોમાસું જામ્યું; 23 જિલ્લાના 107 તાલુકામાં મેઘમહેર, આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: લાંબા સમયથી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ આખરે ગુજરાતમાં જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અર્ધાથી વધુ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં અનેક વિસ્તારોમાં 8 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર હજુ ઓછું રહ્યું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23 જિલ્લાના 107 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 203 મીમી (8 ઇંચ) વરસાદ સુરત જિલ્લાના પલસાણામાં નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મન મુકીને વરસતા સુરત જિલ્લાના બારડોલીમાં 197 મીમી, મહુવામાં 191 મીમી, અંબિકામાં 164 મીમી અને ઉમરપાડામાં 120 મીમી વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લામાં ઉમરગામમાં 196 મીમી, વાપીમાં 189 મીમી અને પારડીમાં 113 મીમી વરસાદ પડ્યો હતો. તાપી જિલ્લાના પાલોદમાં 102 મીમી અને વ્યારામાં 92 મીમી વરસાદ નોંધાયો હતો. નવસારી, નર્મદા, ભરૂચ અને ડાંગ જિલ્લામાં પણ સારો વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું સક્રિય બન્યું હતું. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં 178 મીમી, કેશોદમાં 132 મીમી, માંગરોળમાં 121 મીમી અને ભેંસાણમાં 107 મીમી વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં 178 મીમી અને વેરાવળમાં 85 મીમી વરસાદ પડ્યો હતો.

રાજકોટ જિલ્લામાં પણ વ્યાપક વરસાદ નોંધાયો હતો. લોધિકામાં 85 મીમી, ગોંડલમાં 72 મીમી, જામકંડોરણામાં 63 મીમી, કોટડા સાંગાણીમાં 44 મીમી, ધોરાજીમાં 35 મીમી અને જેતપુરમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં બગસરામાં 52 મીમી, રાજુલામાં 45 મીમી અને અમરેલી શહેરમાં 40 મીમી વરસાદ નોંધાયો હતો.

બીજી તરફ મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને ભાવનગર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નહોતો. જુલાઈના પ્રથમ જ દિવસે રાજ્યમાં સરેરાશ 17.54 મીમી વરસાદ નોંધાયો, જે જૂન મહિનાના કુલ સરેરાશ વરસાદનો લગભગ અડધો છે. હજુ પણ રાજ્યના 28 તાલુકાઓમાં વરસાદનો એકપણ છાંટો પડ્યો નથી.

ગુજરાતમાં ચોમાસાની સમગ્ર સીઝનમાં સરેરાશ 909 મીમી વરસાદ નોંધાતો હોય છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 52.75 મીમી, એટલે કે અંદાજે 5.80 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 6 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.

Leave a Comment

Traffic Tail