મહિલાના વેશમાં મળેલો મૃતદેહ પુરુષનો હોવાનું ખુલ્યું; સોશિયલ મીડિયા પર મહિલા બની ગાંધર્વ લગ્ન કર્યાનો ચોંકાવનારો ખુલાસો
રાજકોટ: શાપર-વેરાવળ વિસ્તારમાં મળી આવેલી શંકાસ્પદ લાશના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી પોલીસે મુખ્ય આરોપી પિયુષ કશ્યપની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોસ્ટમોર્ટમ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મહિલાના વેશમાં મળી આવેલી લાશ વાસ્તવમાં ચંદનકુમાર નામના પુરુષની હતી. આ ઘટનાએ શરૂઆતથી જ અનેક સવાલો ઊભા કર્યા હતા.
તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતક સોશિયલ મીડિયા પર મહિલાની ઓળખ બનાવી લોકોના સંપર્કમાં આવતો હતો અને ગાંધર્વ લગ્ન કર્યાનો પણ ખુલાસો થયો છે. આ સમગ્ર મામલામાં પોલીસે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને સઘન તપાસ હાથ ધરી હતી.
પોલીસે ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઇલ ડેટા અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. આ તમામ પુરાવાના આધારે સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી પિયુષ કશ્યપની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ, બંને વચ્ચેના સંબંધો અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.









