કાલથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ: બેઝ કેમ્પ પર હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

57 દિવસની યાત્રા માટે સ્પોટ રજિસ્ટ્રેશનમાં ભારે ભીડ; અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

જમ્મુ: પવિત્ર અમરનાથ યાત્રાનો ગુરુવારથી પ્રારંભ થવાનો છે. યાત્રા શરૂ થાય તે પહેલાં જ ભક્તિનો માહોલ છવાઈ ગયો છે. પહેલગામ બેઝ કેમ્પ ખાતે સ્પોટ રજિસ્ટ્રેશન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં ભારે ભીડ અને ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ હતી. યાત્રા દરમિયાન આતંકવાદી હુમલાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

57 દિવસ ચાલનારી આ પવિત્ર યાત્રા માટે શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી જમ્મુથી રવાના કરવામાં આવી છે. યાત્રા બાલટાલ અને પહેલગામ એમ બંને માર્ગો પરથી યોજાશે. ઓનલાઈન નોંધણી ઉપરાંત સ્પોટ રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો બેઝ કેમ્પ પર પહોંચી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં સમગ્ર યાત્રા માર્ગને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે આ વર્ષે હેલિકોપ્ટર દ્વારા બાબા બરફાનીના દર્શનની સુવિધા ઉપલબ્ધ નહીં રહે. યાત્રાળુઓ માટે ટટ્ટુ અને પાલકીની વ્યવસ્થા કરવામાં આવી છે.

યાત્રા માર્ગ પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 34 આધુનિક AI આધારિત ફેશિયલ રિકગ્નિશન કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જે શંકાસ્પદ વ્યક્તિઓ અને સંભવિત આતંકી ગતિવિધિઓ પર સતત નજર રાખશે. કેમેરા દ્વારા ઓળખ થતાં જ સુરક્ષા દળોને તાત્કાલિક એલર્ટ મળી જશે.

આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્નિફર ડોગ્સ તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને ભારતીય સેનાની વિશેષ ટીમો સમગ્ર યાત્રા માર્ગ પર સતત પેટ્રોલિંગ કરશે. રોડ ઓપનિંગ પાર્ટી દ્વારા યાત્રા માર્ગનું નિયમિત નિરીક્ષણ કરીને શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

Leave a Comment

Traffic Tail