મુંબઈમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત, વૃક્ષ પડતા બાળકનું મોત; અનેક વિસ્તારોમાં જળબંબાકાર

મુંબઈ: આર્થિક રાજધાની મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો, જ્યારે અંધેરી પશ્ચિમમાં મેટ્રો સ્ટેશન નજીક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં બસ સહિત અન્ય વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

ભારે વરસાદના કારણે મુખ્ય વ્યાપારિક કેન્દ્ર એવા બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનોની લાંબી કતારો લાગી હતી અને કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.

આ દરમિયાન શહેરમાં એક દુર્ઘટનામાં શાળાની વાન પર વૃક્ષ તૂટી પડતાં એક બાળકનું કરુણ મોત થયું હતું, જ્યારે પાંચ જેટલા બાળકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બચાવ ટીમોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસમાં ચોમાસું દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતના વધુ વિસ્તારોમાં આગળ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. પ્રી-મોન્સૂન વરસાદ અને આંધીની પ્રવૃત્તિ યથાવત રહેવાની સાથે ઉત્તર પ્રદેશ અને બિહારમાં વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ચોમાસાના પવનો સક્રિય બનતાં ઉત્તર ભારતમાં તાપમાનમાં 4થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ભીષણ ગરમીમાંથી રાહત મળશે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail