હલ્દિયા રિફાઈનરીની નેપ્થા પાઈપલાઈનમાં ભીષણ આગ, 15 કર્મચારીઓ દાઝ્યા

પશ્ચિમ બંગાળ: હલ્દિયા સ્થિત રિફાઈનરીમાં આજે વહેલી સવારે નેપ્થા પાઈપલાઈનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 15 કર્મચારીઓ દાઝ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આજે સવારે અંદાજે 4થી 4:30 વાગ્યાની વચ્ચે રિફાઈનરીની નેપ્થા ગેસ વહન કરતી પાઈપલાઈનમાં અચાનક આગ ભભૂકી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ રિફાઈનરીના અધિકારીઓ, સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. દાઝેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આગની જાણ મળતા ફાયર બ્રિગેડની અનેક ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક તબક્કે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગ લાગવાના કારણો અંગે રિફાઈનરી પ્રશાસન તેમજ સંબંધિત એજન્સીઓ તપાસ કરી રહી છે.

Leave a Comment

Traffic Tail