અમદાવાદ: નૈઋત્ય ચોમાસાના આગમનને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ગુજરાતમાં હજુ સુધી વ્યાપક વરસાદ નોંધાયો નથી. જોકે હવે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી ગતિવિધિ તેજ બનવાની આગાહી કરી છે. આવતીકાલથી હવામાનમાં પલટો આવવાની સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજેતરના બુલેટિન અનુસાર, 29 જૂનથી પશ્ચિમ ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સહિતના વિસ્તારોમાં ચોમાસું વધુ સક્રિય બનશે. કોંકણ અને ગોવામાં 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ગુજરાત રીજન અને મધ્ય મહારાષ્ટ્રમાં 3થી 5 જુલાઈ દરમિયાન વરસાદી ગતિવિધિમાં વધારો થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 29 જૂનથી 2 જુલાઈ દરમિયાન ગુજરાત રીજનમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને મરાઠવાડામાં પણ 29 જૂનથી 5 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત 29 જૂનથી 3 જુલાઈ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગાજવીજ, વીજળીના કડાકા અને 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ગુજરાત રીજનમાં 3થી 5 જુલાઈ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 3થી 5 જુલાઈ વચ્ચે સ્થાનિક સ્તરે ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધતાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. એક જુલાઈ બાદ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં તબક્કાવાર 3થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી માહોલને પગલે આગામી દિવસોમાં લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા છે.









