ગુવાહાટી: પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે અસર પહોંચાડી છે. આસામ અને અરુણાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. ભારે વરસાદના કારણે આસામમાં 300 મીટર લાંબો લોખંડનો પુલ તણાઈ જતાં અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે.
માહિતી અનુસાર, ઘેમાજી જિલ્લાના સિમેન નદી પર આવેલો આ પુલ વર્ષ 1965માં બનાવવામાં આવ્યો હતો અને બાદમાં તેને બ્રોડગેજ રેલવે માટે રૂપાંતરિત કરવામાં આવ્યો હતો. તાજેતરના ભારે વરસાદ અને પૂરથી પુલનો એક સ્તંભ અસ્થિર બનતાં આખો પુલ નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો.
પુલને જોખમ હોવાની માહિતી મળતાં અગાઉથી જ આ રેલવે રૂટ પર ટ્રેન વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે પુલ તૂટી જતાં કેમી જૂના જેલોમ વિસ્તાર અને જોનાઈ સદર વચ્ચેનો માર્ગ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
બીજી તરફ અરુણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં રસ્તાઓ ધસી પડ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે. કેપીપાન્યોર જિલ્લામાં અચાનક આવેલા પૂરમાં મૃત્યુઆંક વધીને ત્રણ થયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
સ્થાનિક લોકોએ પુલના નિર્માણની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે નદીના તીવ્ર પ્રવાહને ધ્યાનમાં રાખીને અહીં કાયમી કોંક્રીટનો પુલ બનાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેના બદલે લોખંડની સંરચના ઊભી કરાઈ હતી, જેના કારણે ભારે વરસાદમાં પુલ તૂટી પડ્યો.









