હિમાચલમાં ગમખ્વાર અકસ્માત: 300 ફૂટ ઊંડી ખીણમાં કાર ખાબકતા ત્રણ મહિલાઓ સહિત 4ના મોત

હિમાચલ પ્રદેશ: ચંબા જિલ્લાના ચુરાહ ઉપમંડળમાં મોડી રાત્રે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોના કરૂણ મોત થયા છે. નકરોડ-હિંગિરી માર્ગ પર ડેમ સાઇડ નજીક એક મારુતિ અલ્ટો કાર બેકાબૂ બની આશરે 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતાં વાહન રસ્તા પરથી સરકીને સીધું બૈરા સ્યૂલ નદી તરફની ઊંડી ખીણમાં જઈ પડ્યું હતું. અકસ્માત રાત્રિના સમયે બન્યો હોવાથી તેની કોઈને જાણ થઈ ન હતી.

વહેલી સવારે સ્થાનિક લોકોએ ખીણમાં અકસ્માતગ્રસ્ત કાર જોઈ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ તીસા પોલીસ સ્ટેશનની ટીમ, વહીવટી તંત્ર અને અગ્નિશમન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ખીણમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માતમાં મોતને ભેટેલા ચારેય લોકો ચુરાહ ઉપમંડળની ટીકરીગઢ ગ્રામ પંચાયતના રહેવાસી હતા. જોકે મૃતકોની સત્તાવાર ઓળખ અને અકસ્માતગ્રસ્ત વાહનની માલિકી અંગે તપાસ ચાલુ છે.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે ટેક્નિકલ અને અન્ય તમામ પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail