ગાંધીધામ: શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે ડ્રગ્સ વિરોધી કાર્યવાહી દરમિયાન એક શખ્સને હેરોઇન સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 1.940 ગ્રામ હેરોઇન જપ્ત કર્યું છે.
પ્રાથમિક તપાસ દરમિયાન આ કેસમાં રાજસ્થાનના વધુ એક શખ્સની સંડોવણી સામે આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. તેના આધારે અન્ય આરોપીની શોધખોળ સહિત તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી પાસેથી હેરોઇન ઉપરાંત મોટરસાયકલ, મોબાઇલ ફોન સહિત ગુનામાં ઉપયોગમાં લેવાયેલા મુદ્દામાલને પણ કબજે કર્યો છે.
પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ ડ્રગ્સનું નેટવર્ક, સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવા તપાસને વધુ વેગ આપવામાં આવ્યો છે.









