LPG ગ્રાહકોને મોટી રાહત: હવે PNG બાદ પણ ફરી શરૂ કરાવી શકાશે જૂનું ગેસ કનેક્શન

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એલપીજી (LPG) ગ્રાહકોને મોટી રાહત આપતા ગેસ કનેક્શન સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા નિયમો અનુસાર, હવે પાઇપલાઇન નેચરલ ગેસ (PNG) કનેક્શન લીધા બાદ પણ જરૂર પડે ત્યારે જૂનું એલપીજી કનેક્શન ફરી શરૂ કરાવવાની સુવિધા મળશે.

અગાઉ જે વિસ્તારોમાં PNG સેવા શરૂ થતી હતી, ત્યાં ગ્રાહકોને પોતાનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડતું હતું. પરંતુ હવે સરકારે નિયમોમાં ફેરફાર કરીને ગ્રાહકોને વધુ સરળ અને લવચીક વિકલ્પ આપ્યો છે.

નવી વ્યવસ્થા મુજબ, PNG કનેક્શન મળ્યા બાદ ગ્રાહકો પાસે બે વિકલ્પ રહેશે. તેઓ 30 દિવસની અંદર એલપીજી કનેક્શન કાયમી ધોરણે સરેન્ડર કરી શકે છે અથવા કનેક્શન બંધ કરાવતી વખતે ‘ટ્રાન્સફર વાઉચર’ મેળવી શકે છે.

આ ટ્રાન્સફર વાઉચર ભવિષ્યમાં એવા વિસ્તારમાં સ્થળાંતર થાય, જ્યાં PNG સેવા ઉપલબ્ધ ન હોય, ત્યારે ઉપયોગી બનશે. ગ્રાહક નવું કનેક્શન લીધા વગર જ આ વાઉચરના આધારે પોતાનું જૂનું એલપીજી કનેક્શન ફરીથી સક્રિય કરાવી શકશે.

સરકારના આ નિર્ણયથી વારંવાર સ્થળાંતર કરતા કર્મચારીઓ, ભાડાના મકાનમાં રહેતા લોકો અને અભ્યાસ માટે શહેર બદલતા વિદ્યાર્થીઓને ખાસ લાભ મળશે.

આ ઉપરાંત સરકારે વેપારી ગ્રાહકોને પણ રાહત આપી છે. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કમર્શિયલ LPG પર મૂકવામાં આવેલા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. હવે હોટલો, રેસ્ટોરન્ટો અને ઉદ્યોગોને કમર્શિયલ ગેસનો પુરવઠો ફરીથી સામાન્ય રીતે ઉપલબ્ધ રહેશે.

સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ગ્રાહકોને વધુ સુવિધા મળશે અને ગેસ વિતરણ વ્યવસ્થા વધુ સરળ તથા અસરકારક બનશે.

Leave a Comment

Traffic Tail